Fact Check : ઇઝરાયેલમાં ચૂંટણી વચ્ચે નેતન્યાહૂ પર હુમલાના દાવા સાથે વાયરલ થયો જૂનો વીડિયો
વિશ્વાસ ન્યૂઝ ની તપાસમાં સામે આવ્યું છે કે બેન્જામિન નેતન્યાહૂ પર થયેલા કથિત હુમલાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વીડિયો જૂનો અને અસંબંધિત છે. આ વીડિયો જાન્યુઆરી 2013માં બલ્ગેરિયાના એક રાજનેતા પર થયેલા હુમલાનો છે.
- By: Pragya Shukla
- Published: Nov 6, 2026 at 10:55 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ). ઓક્ટોબર 2026માં ઇઝરાયેલમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. નવી સરકારની રચના થાય ત્યાં સુધી બેન્જામિન નેતન્યાહૂ કાર્યવાહક વડાપ્રધાન તરીકે ચાલુ રહેશે. આ દરમિયાન એક વ્યક્તિ પર હુમલો કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સ્ટેજ પર ભાષણ આપી રહ્યો છે, ત્યારે બંદૂક લઈને એક વ્યક્તિ આવે છે અને હુમલો કરી દે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તાજેતરમાં બેન્જામિન નેતન્યાહૂ પર થયેલા કથિત હુમલાનો વીડિયો છે.
વિશ્વાસ ન્યૂઝે પોતાની તપાસમાં શોધી કાઢ્યું કે વાયરલ થઈ રહેલા આ વીડિયોને બેન્જામિન નેતન્યાહૂ સાથે કોઈ સંબંધ નથી. વાસ્તવમાં આ વીડિયો જાન્યુઆરી 2013માં બલ્ગેરિયાના એક રાજનેતા પર થયેલા હુમલાનો છે. આ જૂના અને અસંબંધિત વીડિયોને હવે ભ્રામક અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર ‘Newscap l News That Matters’ એ 29 ઓક્ટોબર 2026ના રોજ એક વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું: “બ્રેકિંગ તેલ અવીવમાં નેતન્યાહૂ પર એક ખૂબ જ ખતરનાક હુમલો થયો છે. એવું લાગે છે કે તેમને ગંભીર ઈજાઓ થઈ છે, અને તેમને અમેરિકા લઈ જવા માટે એક વિમાન મોકલવામાં આવી રહ્યું છે.”

પડતાલ
વાયરલ દાવાની સચ્ચાઈ જાણવા માટે અમે સૌથી પહેલા વીડિયોના કેટલાક કીફ્રેમ્સ કાઢ્યા અને તેને ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કર્યા. આ દરમિયાન અમને વાયરલ થઈ રહેલો વીડિયો યુકેની યૂટ્યુબ ચેનલ ‘Onlooker UK‘ પર મળ્યો. વીડિયોને 19 જાન્યુઆરી 2013ના રોજ શેર કરવામાં આવ્યો હતો. અહીં ઉપલબ્ધ માહિતી મુજબ, બલ્ગેરિયાની વંશીય ટર્કિશ પાર્ટી (મુવમેન્ટ ફોર રાઇટ્સ એન્ડ ફ્રીડમ્સ)ના નેતા અહેમદ ડોગન જ્યારે સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા, તે દરમિયાન એક વ્યક્તિએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને બંદૂક તાકી હતી. જોકે, સુરક્ષા ગાર્ડ્સે હુમલાખોરને તરત જ પકડી લીધો હતો.
મળેલી માહિતીના આધારે અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ગૂગલ સર્ચ કર્યું. અમને દાવા સાથે જોડાયેલો એક સમાચાર અહેવાલ ‘Reuters‘ ની વેબસાઇટ પર 19 જાન્યુઆરી 2013ના રોજ પ્રકાશિત થયેલો મળ્યો. આ અહેવાલ મુજબ, આ ઘટના અંગે પોલીસનું કહેવું હતું કે હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે, તે કાળા સમુદ્ર કિનારે આવેલા બુર્ગાસ શહેરનો રહેવાસી હતો. યુવક પાસે બે છરીઓ પણ હતી.

બંને છબીઓ વચ્ચેની સમાનતાઓ નીચે જોઈ શકાય છે.

વધુ માહિતી માટે અમે ઇઝરાયેલના ફેક્ટ-ચેકર ઉરિઆ બાર મીરનો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. બેન્જામિન નેતન્યાહૂ પર કોઈ જીવલેણ હુમલો થયો નથી. આ વીડિયોને નેતન્યાહૂના નામે શેર કરીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.
શું છે સંદર્ભ?
ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ (The Times of Israel) ની વેબસાઇટ પર 28 ઓક્ટોબર 2026ના રોજ પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વ હેઠળના જૂથ લિકુડ પાર્ટીને 53 બેઠકો મળી છે, જ્યારે યશર પાર્ટીના અધ્યક્ષ અને પ્રમુખ વિરોધ પક્ષના નેતા ગાદી આઈઝેનકોટના નેતૃત્વ હેઠળના જૂથને 48 બેઠકો મળી છે. બંને જૂથોમાંથી કોઈને પણ સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમતી મળી નથી. સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને 61 બેઠકો જોઈએ છે.
અંતમાં અમે વીડિયોને ખોટા દાવા સાથે શેર કરનાર ફેસબુક પેજના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે આ પેજના 200 થી વધુ ફોલોઅર્સ છે. આ યુઝર જુલાઈ 2026 થી ફેસબુક પર સક્રિય છે અને પ્રોફાઇલમાં પોતાને દિલ્હીનો રહેવાસી ગણાવ્યો છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝ ની તપાસમાં સામે આવ્યું છે કે બેન્જામિન નેતન્યાહૂ પર થયેલા કથિત હુમલાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વીડિયો જૂનો અને અસંબંધિત છે. આ વીડિયો જાન્યુઆરી 2013માં બલ્ગેરિયાના એક રાજનેતા પર થયેલા હુમલાનો છે.
- Claim Review : બેન્જામિન નેતન્યાહૂ પર થયેલા હુમલાનો વીડિયો.
- Claimed By : FB User Newscap l News That Matters
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











